Looking For Anything Specific?

ads header

સ્વાસ્થ્ય માટે ઉપયોગી ઔષધો || ઔષધીય વનસ્પતિ ના નામ

 (૧) અધેડો


હિન્દી નામ : लटजीरा

વૈજ્ઞાનિક નામ : Achyranthes aspera


નાનો વર્ષાયુ છોડ સર્વત્ર થાય છે. ફળ સીધી ડાળી ઉપર થાય છે. અનેક પ્રકારની જમીનમાં, અનેક ડાળીઓ યુક્ત, પાણી પ્રાપ્ય હોય તો ૨-૩ વર્ષ જીવે છે. અધેડાના મૂળ હાથમાં પકડી રાખવાથી કે કમરે બાંધવાથી પ્રસવ પીડા બહુ ઓછી થાય છે. મૂળનું દાતણ કરવાથી પેઢાં મજબૂત બને છે. બીજને દૂધમાં ખીર તરીકે પીવાથી અઠવાડિયા સુધી ભૂખ લાગતી નથી. મગજના અનેક રોગો ઉપર આ ખીર ઔષધિ તરીકે વપરાય છે. કફ અને મેદસ્વિતામાં તેમજ ઝેરી જંતુના (વીંછી) દંશમાં વપરાય છે.


(ર) અર્જુન (સાદડ)


વૈજ્ઞાનિક : Terminalia arjuna

હિન્દી : कौह


આ એક ભેજવાળા પાનખર, થડ સફેદ અથવા લીલાશ પડતું સફેદ જંગલનું ઝાડ છે. એના પર ધોળા ફૂલ આવે છે. આની છાલનો ઉપયોગ હૃદયરોગમાં ઘણા પ્રમાણમાં થાય છે. તેનું આરિષ્ટ અર્જુનારિષ્ટ, હૃદયરોગના દર્દીઓને પુષ્કળ પ્રમાણમાં સતત આપવામાં આવે છે. હૃદયરોગમાં અર્જુનાદિધૃત પણ વપરાય છે. તેની અંતઃછાલ સાથે બીજા વસાણાઓ દ્વારા ગાયના ઘીમાં પકવી તૈયાર કરવામાં આવે છે. અર્જુનની છાલમાંથી ઓકઝેલિક એસીડ તૈયાર કરવામાં આવે છે.


(૩) અરડૂસી


હિન્દી નામ : अडूसी

વૈજ્ઞાનિક નામ : Adhatoda Vasica


અરડૂસીના છોડ ઘર આંગણે વાવેલા જોવા મળે છે તેની ડાળી જમીનમાં લગાવવાથી તેનો છોડ તૈયાર થઈ જાય છે. તેનાં પાન જામફળ જેવાં પણ અણીદાર લાંબા હોય છે. તેનાં પર ધોળાં ફૂલ બેસે છે. જે સિંહના મોઢા જેવા હોવાથી તેને સિંહાસ્ય પણ કહે છે. તેના પાંદડા શ્વાસ કાસની ઘણીજ જાણીતી દવા છે. ખાંસી ક્ષયની તે ઉત્તમ દવા છે. દુનિયામાં જ્યાં સુધી અરડુસી છે ત્યાં સુધી ક્ષય રક્તપિત્તવાળાએ ગભરાવવાની જરૂર નથી. વૈદકમાં તેના ઘણાં યોગો બનાવીને વાપરવામાં આવે છે. તે અતિ કડવી હોય છે. પરંતુ પેટમાં દવારૂપે લીધા બાદ અમૃતનું કામ કરે છે.


(૪) અરીઠા


હિન્દી નામ : अरीठा

વૈજ્ઞાનિક નામ : Sapindus laurifolius


અરીઠાનાં ઝાડ જૂજ જ જોવા મળે છે. અરીઠું ઘણું વિષનાશક છે. તેનો ઉપયોગ સર્પ વિષ, સોમલ, વચ્છનાગ, અફીણ, મોરથુથું વગેરેની ઝેરી અસરને દૂર કરવા માટે થાય છે. અરીઠાનું પાણી કરી પીવડાવવાથી ઉલટી થઈ બધું ઝેર નીકળી જાય છે. ઝેરી અસ૨ દૂર કરવા તેનાં ફીણને આંખમાં આંજવામાં આવે છે. પણ થોડા સમય બાદ તેની બળતરા દૂર કરવા માટે ઘી આંજવું જરૂરી છે. ફેફરૂ આવે ત્યારે તેનું ફીણ આંજવામાં આવે છે. તેના પાણીથી ગરમ તથા રેશમી કાપડ સાફ થાય છે. તે જ પ્રમાણે માથું ધોવામાં પણ તેનું પાણી ઘણું વપરાય છે. ઘરેણાંનો મેલ સાફ કરવા માટે અરીઠાનું પાણી સોની લોકો વાપરે છે. અરીઠા, આમળાં, શિકાકાઈ તથા કપૂરકાછલી પાવડરના પાણીથી શરીર તથા માથુ ધોવું શ્રેષ્ઠ છે.


(૫) અશ્વગંધા


હિન્દી નામ : अश्वगंधा

વૈજ્ઞાનિક નામ : Withania somnifera


લીલાશ પડતા પીળા રંગનો સૂક્ષ્મ ફૂલવાળો છોડ પડતર ખુલ્લા વિસ્તારમાં જોવા મળે છે. લાલ રંગના ફળ બાહ્ય દલપુંજની અંદર ઢંકાયેલા રહે છે. હાલ આની ખેતી કરાવવામાં આવે છે આની અનેક પેટા પ્રજાતિઓ વિકસાવવામાં આવેલ છે. પાનની લૂગદી ચામડીના રોગમાં તેમજ અશ્વગંધા ક્ષય રોગ, નબળાઈ અને ગાંઠ વગેરેમાં કામમાં આવે છે. તે મૂત્રલ છે. મૂળને વાટીને અથવા ઘસીને ફોલ્લા, ઘા, સોજા પર લગાડાવમાં આવે છે. ડાયાબીટીસમાં તથા લોહીના નીચા દબાણમાં મૂળ ઉપયોગી છે. અશ્વગંધા શક્તિવર્ધક છે. અશ્વગંધા દૂધ અને સાકર સાથે લેવાથી વધુ ફાયદો કરે છે.


(૬) આંકડો


હિન્દી નામ : अर्स, मदार

વૈજ્ઞાનિક નામ : Calotropis gigantia


બધે જ થતો ક્ષુપ છે. તેના પાન વડના જેવા પણ જાડા હોય છે. તેના જાંબુડી તથા સફેદ એમ બે જાતના ફૂલ થાય છે. તેના ફળ પાકી સૂકાઈ ફાટવાથી રૂનીકળે છે. તે ઉપયોગમાં લેવાય છે. શરીરની વેદના પર બાહ્ય ઉપચાર તરીકે તેનું દૂધ ચોપડાય છે અથવા આંકડાના પત્તાને દીવેલ ચોપડી ગરમ કરી શેક કરવામાં આવે છે. આકડાના ફૂલને માટલામાં પાથરી ઉપર અજમો, સિંધવ ભભરાવી ફરી ફૂલ પાથરી, અજમો, સિંધવ, ભભરાવવા આ પ્રમાણે આખુ માટલું ભરી મોં પર ઢાંકણ મૂકી કપડું માટીથી સીવી દઈ માટલાને નીચે ઉપર ચારે બાજુ છાણાનો તાપ આપવો, ઠંડુ થયે માટલું ખોલી તેમાંથી મળેલો ફૂલનો આખો ગટ્ટો કાઢી વાટી લેવાથી, ગેસ, ઝાડા, ખાંસી, દમ વગરેમાં સારો લાભ કરે છે. આકડો વાતાવરણને ઠંડો રાખે છે. તે કુદરતનું Air Conditioner છે જે જમીન તથા હવામાનને ભેજવાળું અને ઠંડુ રાખે છે.


(૭) આદુ


હિન્દી નામ : आदि, अदरक

વૈજ્ઞાનિક નામ : Zingiber officinale


આદુનો છોડ લગભગ બે ફૂટ ઊંચો થાય છે. તેના પાન વાંસનાં ઝાડને મળતાં આવે છે. છોડની વૃદ્ધિ પ્રમાણે જમીનમાં તેનાં મૂળમાં આદુના કાતરા એટલે કે ગાંઠો લાગે છે. આદુને છોલી સૂકવી લેવાથી સૂંઠ તૈયાર થાય છે. બંગાળ, ચેન્નાઈ, જમૈકાબેટ, ધ્રાંગધ્રા વગેરે સ્થળોથી પુષ્કળ પ્રમાણમાં સૂંઠ આવે છે. આપણા રોજના ખોરાકમાંદાળશાકમાં આદુ, સારા પ્રમાણમાં વાપરીએ છીએ. આદુ ખોરાક પચાવવામાં ઘણું સારૂ કામ કરે છે. અજીર્ણ ૫૨ આદુનો રસ, લીંબુનો રસ, સિંધવ મેળવીને લેવાથી સારો લાભ થાય છે. ગરમ ઘીમાં ગોળ મેળવી એક રસ થાય ત્યારે સૂંઠનો પાવડર મેળવી હૂંફાળુ ખાવાથી ખાંસીનો કફ પાકીને નીકળી જાય છે. વાયુના વિકારો ઉપર તે વાપરી શકાય, આદુ અમૃત તુલ્ય છે. આદુના બીજા અનેક ઉપયોગ છે. આદુની ખેતી થાય છે.


(૮) આંબળા


હિન્દી નામ : आंवला

વૈજ્ઞાનિક નામ : Emblica officinalis


આંબળા નાં ઝાડ ભારતના બધા પ્રાંતોમાં જોવા મળે છે. આંબળા જંગલમાં પણ આપમેળે થાય છે. આંબળાનું ઝાડ સૂકા પાનખર જંગલમાં થાય છે. તેના પાંદડા આમલી જેવા હોય છે. તેના પર દિવાળી એટલે કારતક મહિને ફળ લાગી જાય છે અને તે ફળ આપણને પોષ-મહા મહિના સુધી બજારમાં વેચાતા મળે છે. આંબળા શરીરને મજબૂત કરનાર, ઘડપણને દૂર કરનાર તથા પિત્તશામક છે. આંબળાને ધાત્રી એટલે દાયણ, જેમ દાયણ બાળકને માની ગરજ સારી સ્તનપાન કરાવી પોષે છે. તેમ આંમળું શ્રેષ્ઠ પોષક છે. આપણે આજકાલ આંબળાની બનાવટ, ચ્યવનપ્રાશ ઘણો વાપરીએ છીએ. જેનાથી શરીરનું સપ્રમાણ પોષણ થઈ ઘડપણ દૂર થાય છે. આંબળાનો મુરબ્બો તથા અથાણું પણ વપરાય છે. આંબળાના કટકા કરી મીઠું મેળવી સૂકવણી કરી ખાવાથી સ્વાદિષ્ટ લાગે છે. માથાનો ખોડો, મેલ તથા શરીર પરના મેલને સાફ કરવા માટે આંબળા, શિકાકાઈ, અરીઠા, કપુરકાચલી આ બધાનો પાવડર કરી પાણીમાં પલાળી તે પાણીથી માથું તથા શરીર ધોવાથી મેલ કપાઈ શરીર સુવાળું થાય છે, તેમજ વાળ કાળા થાય છે. ત્રિફળામાં આંબળા વપરાય છે. આંમળાનું શરબત ઘણું રૂચિકર તથા ગરમી દૂર કરનાર છે. આંબળાને સંસ્કૃતમાં અમૃતા કહે છે.


(૯) આમલી


હિન્દી નામ : इमली

અંગ્રેજી નામ : Ambli 

વૈજ્ઞાનિક નામ : Tamarindus indica


આમલીનાં ઝાડ આપણા દેશમાં બધે જ જોવા મળે છે. આમલીના ફૂલ ખાટા સ્વાદિષ્ટ રૂચિકર હોય છે. આમલીનું બી મહા, ફાગણ મહિનામાં પાકીને તૈયાર થાય છે. તેના ઉપરનું કડક છોડું તથા અંદરના બી-કચૂકા કાઢી મીઠું ભેળવી સંગ્રહ કરવામાં આવે છે. આમલી રૂચિકર-પિત્તનાશક તથા વિરેચક છે. દાળ શાકમાં તે મેળવી વાનગીને સ્વાદિષ્ટ બનાવાય છે. ઉનાળામાં પિત્તશમન માટે તેના પાણીમાં ગોળ મેળવી સેવન કરવામાં આવે છે. દસ્ત સાફ લાવવાવાળી હોવાથી રસોઈમાં વપરાય છે. વધારે ઝાડા થાય ત્યારે ચોખાના ઓસામણની સાથે આમલીનું પાણી મેળવી આપવાથી મટે છે. વીંછીના ડંખ પર ચૂકાને ઘસીને લગાડવાથી તે ચોંટી જશે અને ઝેર શોષી છૂટો પડે છે. આમલીનું ઝાડ હવામાન સુધારે છે, પ્રદૂષણ અટકાવે છે. અવાજનું પ્રદૂષણ પણ અટકાવે છે.


(૧૦) મીંઢી આવળ


હિન્દી નામ :  सोनामुखी

વૈજ્ઞાનિક નામ : Cassia italica


મીંઢી આવળના વેલા જમીન પર પથરાય છે. તેનાં પાન લંબગોળ હોય છે. વેલા પ૨ ફૂલ સોનેરી ભાદરવાથી ફાગણમાસ સુધી બેસે છે. તેના પર ચપટી શીંગો આવે છે. છોડ ૪-૬ માસનું જ આયુષ્ય ધરાવે છે. તેની ખેતી થાય છે. ભારે વરસાદ અને અતિ ઠંડુ હવામાન તેને માફક આવતું નથી. મીંઢી આવળનું સેવન પેટનો આફરો, ગોળો, કરમિયા તથા આમળને દૂર કરે છે. વિરેચન માટે મીંઢી આવળના પાનને રાત્રે પલાળીને સવારે ગાળી લેવા અથવા તેનો ઉકાળો કરી પીવો.


સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ : મીઢી આવળ ૧૫ તોલા, જેઠી મધ ૫ તોલા, વરીયાળી ૫ તોલા, ગંધક ૫ તોલા, સાકર ૩૦ તોલા, આ બધાનું જુદું જુદું ચૂર્ણ કરવું. ગંધક તથા મીંઢી આવળને સાથે ઘૂંટી તેને બાકીના દ્રવ્યો સાથે મેળવી ચાળી લેવું.




एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ